અમદાવાદ: નરોડા ગામ હત્યાકાંડમાં નિર્દોષ છૂટેલા બાબુ બજરંગી કોણ છે?

જય શુક્લ

શુક્રવાર, 21 એપ્રિલ 2023 (17:32 IST)
નરોડા ગામ કેસમાં ગુરુવારે વિશેષ અદાલતનો ચુકાદો આવ્યો છે જેમાં ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી માયાબહેન કોડનાણી અને બજરંગ દળના તત્કાલીન નેતા બાબુ બજરંગી સહિત 68 આરોપીઓ છૂટી ગયા છે.
 
ત્યારે આજે ફરી એક સમયે બજરંગ દળના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા બાબુ બજરંગી ચર્ચામાં છે. 
 
એક જમાનામાં ગુજરાતમાં જમણેરી સંગઠન મનાતા બજરંગ દળના તેઓ મોટા નેતા મનાતા હતા. ખાસ કરીને તેઓ વર્ષ 2002માં થયેલાં રમખાણોમાં ચર્ચામાં આવ્યા હતા.
 
બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગી. બાબુ બજરંગીને પણ નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત વિશેષ કોર્ટે નિર્દોષ છોડ્યા છે. ત્યારે જોઈએ કે બાબુ બજરંગી કોણ છે અને તેમની સાથે કયા વિવાદો જોડાયેલા છે?
 
બાબુ બજરંગી કેમ છૂટી ગયા?
 
બાબુ બજરંગીને નરોડા પાટિયા હત્યાકાંડમાં જનમટીપની સજા સંભળાવવામાં આવી હતી જેમાં 97 મુસ્લિમોનાં મોત થયાં હતાં. આ 97 મૃતકોમાં 36 મહિલાઓ અને 35 બાળકો પણ હતાં.
 
જોકે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીને જામીન આપ્યા હતા, કારણ કે તેમની આંખની દૃષ્ટિ જતી રહી હતી અને મેડિકલ ગ્રાઉન્ડ પર માર્ચ 2019માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
 
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ બાબુ બજરંગી વિશે વાત કરતા કહે છે કે, “બાબુ બજરંગીના વકીલ યોગેશ લાખાણીએ મને જણાવ્યું કે બજરંગી એટલા માટે છૂટ્યા કે તેઓને એક જ પ્રકારના બે કિસ્સા પૈકી જ્યારે એક કિસ્સામાં સજા થઈ ગઈ હોય ત્યારે તેમને એ જ પ્રકારના અન્ય કિસ્સામાં એવી જ સજા થાય તેવું કેવી રીતે બની શકે?”
 
અજય ઉમટ આ વાતને સમજાવતા કહે છે કે, “નરોડા પાટિયા અને નરોડા ગામ વચ્ચે 2.5 કિમીનું અંતર છે. હવે બાબુ બજરંગીને નરોડા પાટિયાકાંડમાં જનમટીપની સજા થઈ ગઈ છે ત્યારે તેઓ બંને જગ્યાએ આ કાંડ થયો ત્યારે બંને જગ્યાએ તેઓ ઉપસ્થિત હતા તેવું કેવી રીતે પુરવાર થઈ શકે?”
 
 'વેલેન્ટાઈન ડે પર યુવક-યુવતીઓને ભગાવતા'
 
આમ તો તેમનું નામ બાબુભાઈ પટેલ હતું. પરંતુ તેઓ બજરંગ દળ સાથે જોડાયેલા હતા એટલે તેમનું નામ બાબુભાઈ બજરંગી પડ્યું.
 
બજરંગી વિશે વધુ જાણકારી આપતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ કહે છે, “બજરંગીએ આખા દેશમાં પહેલી વાર ગુજરાતમાં વેલેન્ટાઇન ડેના દિવસે બગીચામાં સાથે બેઠેલા યુવક-યુવતીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેઓ દર વેલેન્ટાઇન ડેના દિવસે લાઠી લઈને તેમની સેના સાથે નીકળતા અને ઝાડી પાછળ છુપાઈને બેઠેલા યુવક-યુવતીઓને ભગાવતા હતા.”
 
જાણકારો એમ પણ કહે છે કે બાબુ બજરંગીએ હિન્દુ યુવતી જો કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને ભાગી જતી ત્યારે તેઓ આવા કપલની પાછળ જતા અને યુવતીને ઘરે પરત લઈ આવતા હતા. તેના માટે તેમણે નવચેતન ટ્રસ્ટ પણ બનાવ્યું હતું.
 
દિલીપ ગોહિલ આ વિશે વધુ પ્રકાશ પાડતા કહે છે કે, “મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કર્યાં હોય તેવી હિન્દુ યુવતીને તેઓ ઘરે પરત લાવતા અને તેના ફરી હિન્દુ સમાજના યુવક સાથે લગ્ન કરાવતા. તેમની ટીમ આવી યુવતીનું બ્રેન વૉશ પણ કરતી હતી અને તેનું કાઉન્સેલિંગ પણ.”
 
રાજકીય વિશ્લેષક શ્યામ પારેખ કહે છે કે, “નરોડા વિસ્તારમાં તેમનો અને તેમની સંસ્થાનો પ્રભાવ હતો. આંતરધર્મ લગ્ન કર્યાં હોય તેવી હિન્દુ યુવતીને તેઓ રિહેબિલેટ કરવાનું કામ કરતા. અને આ કામ માટે તેઓ જાણીતા હતા.”
 
‘તહેલકા સ્ટિંગ ઑપરેશનને કારણે તકલીફો વધી’
 
જ્યારે 2002માં તોફાનો થયાં ત્યાર બાદ તેમની ધરપકડ થઈ હતી પરંતુ તેઓ જામીન પર છૂટી ગયા.
 
જોકે જાણકારો કહે છે કે તેમની પડતી ત્યારે શરૂ થઈ જ્યારે તેમની સામે તહેલકાએ વર્ષ 2007માં એક સ્ટિંગ ઑપરેશન કર્યું.
 
આ ઑપરેશનમાં તેઓ કથિત રીતે દાવો કરતા નજરે પડતા હતા કે નરોડા પાટિયાકાંડમાં તેમનો હાથ છે. આ ઑપરેશનમાં તેમણે કથિત રાજકીય સંપર્કો વિશે પણ માહિતી આપી હતી. આ સ્ટિંગમાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાત સરકારના નેતાઓએ તેમને જામીન મેળવવા માટે ત્રણ વખત જજોની બદલી કરી હતી.
 
બાબુ બજરંગી તહેલકાના સ્ટિંગ ઑપરેશનમાં એવું કહેતા દાખાયા હતા કે ગોધરાકાંડમાં માર્યા ગયેલા 57 કારસેવકોના મોતનો બદલો લેવા માટે હું નરોડા આવ્યો અને પછી અમે તેમને જવાબ આપ્યો. તેમણે આ સ્ટિંગ ઑપરેશનમાં દાવો કર્યો હતો કે અમે વીર રાણા પ્રતાપ જેવું કામ કર્યું છે.
 
બશીર પઠાણ કહે છે કે બાબુ બજરંગીની ગુજરાત રમખાણોમાં શું ભૂમિકા હતી તે તેમણે આ સ્ટિંગમાં જ કબૂલી લીધી હતી.
 
વરિષ્ઠ પત્રકાર કમલ ભાવસાર બીબીસી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે કે, “2007માં સ્ટિંગ ઑપરેશનમાં જે તેમણે બફાટ કર્યો અને બડાઈ હાંકી ત્યારબાદ તેમની તકલીફો શરૂ થઈ. આ સ્ટિંગ ઑપરેશન પહેલાં તેઓ સત્તાના નશામાં રાચતા હતા.”
 
અજય ઉમટ કહે છે કે, “ગુજરાતમાં થયેલાં રમખાણોના કેસોની તપાસ માટે જ્યારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ પ્રમુખ આર. કે. રાઘવનની અધ્યક્ષતામાં એસઆઈટી ગઠિત કરી ત્યારે આ રાઘવન સમિતિ સમક્ષ પણ તહેલકાની સ્ટિંગ ટેપ રજૂ કરવામાં આવી હતી.”
 
ઉમટ વધુમાં જણાવે છે કે, “જોકે સ્ટિંગ ઑપરેશનને નક્કર પુરાવા તરીકે ન લઈ શકાય તેવી દલીલો બજરંગીના વકીલો કરતા હતા અને કોર્ટે પણ ગુલબર્ગ સોસાયટીકાંડના કેસની સુનાવણી દરમિયાન તેને નક્કર પુરાવા તરીકે નહોતા સ્વીકાર્યા.”
 
“નરોડા પાટિયા કેસમાં વિશેષ કોર્ટે સ્ટિંગ ટેપને પુરાવા તરીકે સ્વીકારી હતી, પરંતુ નરોડા ગામ કેસમાં પુરાવા તરીકે સ્વીકારી નહોતી.”
 
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ પણ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે, “આ સ્ટિંગ ઑપરેશનમાં તેમણે ગોધરાકાંડ બાદ કેવું ષડયંત્ર રચ્યું હતું તે વિશે ઘણી કબૂલાતો કહી હતી પણ લાગે છે કે નરોડા ગામ કેસમાં કોર્ટે તેને ધ્યાને લીધું નથી.”
 
અગાઉ બાબુ બજરંગીના વકીલ યોગેશ લાખાણીએ બીબીસી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “નરોડા પાટિયા કેસના ચુકાદા વખતે સ્ટિંગ ઑપરેશન બજરંગીને નડ્યું. જોકે અમે કોર્ટ સમક્ષ એવી દલીલો કરી હતી કે સ્ટિંગ ઑપરેશનમાં બજરંગીના અપરાધ કબૂલ કરવાના મામલાને કોર્ટ બહાર અપરાધ કબૂલ કરવાના સાક્ષ્ય તરીકે નહીં લઈ શકાય. અમે એવી પણ દલીલ કરી હતી કે સ્ટિંગ ઑપરેશનમાં તેમને શેખી મારવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.”
 
ભલે બજરંગીના વકીલોએ વિરોધ કર્યો હોય, પરંતુ નરોડા પાટિયા કેસમાં કોર્ટે તહેલકાના પત્રકાર આશિષ ખેતાનના નિવેદનના આધારે બજરંગીને કોર્ટ બહાર અપરાધ સ્વીકાર કરવાને તેની સ્વીકૃતિ ગણી અને ખેતાનને મુખ્ય સાક્ષી તરીકે સ્વીકારી લીધા.
 
 
છેલ્લે શિવસેનામાં પણ જોડાયા
 
બજરંગી બજરંગ દળમાં હતા ત્યારબાદ તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં પણ રહ્યા. તેઓ તે વખતે વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાના ખાસ માનવામાં આવતા હતા.
 
એવું પણ માનવામાં આવતું હતું કે જ્યારે બજરંગી સામે કેસો ચાલતા હતા ત્યારે વીએચપીએ તેમના પરિવારજનોને મદદ કરી હતી. જોકે હવે પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદમાં નથી અને બીબીસીએ જ્યારે તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે બજરંગી મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.
 
જાણકારો એમ પણ કહે છે કે બાબુ બજરંગી સાથે જેમના ઘનિષ્ઠ સબંધો હતા તેઓ બાદમાં એવું માનતા થઈ ગયા કે ગુજરાતમાં ભાજપના શાસનમાં વીએચપી અને બજરંગ દળમાં જે સક્રિય લોકો હતા તેમને સાઇડ-લાઇન કરી દેવાયા.
 
દિલીપ ગોહિલ કહે છે, “ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું એટલે વીએચપી અને બજરંગ દળના ઘણા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા. આ નેતાઓ અને તેમના સાથીઓને એવો અનુભવ થયો કે જ્યારે ભાજપ સત્તામાં ન હતો ત્યારે તેમનો ઉપયોગ થયો અને સત્તા આવ્યા બાદ તેમને હડસેલી દેવાયા.”
 
કમલ ભાવસાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “જ્યારે તેમને ભાજપ સાથે વરવો અનુભવ થયો ત્યારે તેઓ શિવસેનામાં જોડાઈ ગયા હતા.”
 
દિલીપ પટેલ કહે છે કે "તેઓ શિવસેનામાં એટલા માટે જોડાયા હતા કે તેમને લાગતું હતું કે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપે તેમને જે મદદ કરવી જોઈતી હતી એ ન કરી. અને તેઓ કેટલાક સમય સુધી નરેન્દ્ર મોદી અને ભાજપથી નારાજ રહ્યા હતા."
 
હાલ તેમની સાથે સંપર્ક રાખનારાઓ તેમના વિશે વાતચીત કરતા કહે છે કે જેલમાં ગયા બાદ તેમની શારીરિક અને માનસિક હાલત કફોડી થઈ ગઈ હતી. તેમને ડાયાબિટીસ છે અને આંખોમાં દેખાતું બંધ થઈ ગયું છે.
 
જ્યારે વર્ષ 2012માં તેમને જનમટીપની સજા થઈ ત્યારબાદ તેમને તેમની તબિયતને કારણે અને તેમની પત્નીને અંડાશયની ગાંઠ હોવાને કારણે અલગઅલગ કારણસર 14 વખત પેરોલ મળી ચૂક્યા હતા. હાલ તેમને હેલ્થ ગ્રાઉન્ડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
 
કમલ ભાવસાર કહે છે કે, “જેલવાસની તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી અને તેને જ કારણે સુપ્રીમ કોર્ટે હાલ તેમને જામીન આપ્યા છે.”
 
અજય ઉમટ પણ કહે છે કે, “તેમને હેવી ડાયાબિટીસ છે. આંખનું વિઝન પણ જતું રહ્યું છે અને તેઓ બહુ બહાર પણ નીકળતા નથી.”
 
જ્યારે તેઓ સાબરમતી જેલમાં હતા અને તેમની તબિયત ખરાબ હતી ત્યારે તેમને જેલમાં એક આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર