ભાંડો ફૂટ્યો, અમદાવાદના આ વિસ્તારોમાં નોંધાયેલ કોરોનાના 452 કેસ તંત્ર છુપાવવા માંગતું હતું

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:10 IST)
મે મહિના પછી પહેલીવાર અને તે પણ માત્ર બે જ વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં કોરોનાના 452 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બુધવારે બોડકદેવમાં અંદાજે 12 હજાર ટેસ્ટ કરાયા હતા જેમાં 190 પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ગુરુવારે ચાંદલોડિયામાં પણ આટલા જ ટેસ્ટ કરાયા જેમાં 262 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા કેટલાય મહિનાથી મ્યુનિ. કોરોનાના સાચા આંકડા છુપાવે છે. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે ત્યારે એક અધિકારીએ આ ભાંડો ફોડી નાખ્યો હતો. કમિશનર અને ઉચ્ચ અધિકારીએ આ અધિકારીને તતડાવ્યા હતા. સત્તાવાર યાદીમાં કોરોનાના કેસ માત્ર 148 અને બુધવારે 149 મળી બે દિવસમાં 297 કેસ જાહેર કર્યા હતા. સંખ્યાબંધ વોર્ડમાં 3 હજારથી 10 હજાર સુધી રોજના ટેસ્ટ કરવા માટેનો ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે. જો કે, મ્યુનિ.ના એક પણ અધિકારી આ મામલે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને આટલા કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર જ દિવસમાં ચાંદલોડિયામાં 14 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ એસવીપી, શારદાબહેન અને એલજી હોસ્પિટલમાં પણ 60 ડોક્ટરો પોઝિટિવ મળ્યા હતા. જેમાં એસવીપીના 22, એલજીના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરનો સમાવેશ થાય છે. બોડકદેવ વોર્ડમાં બોડકદેવ તેમજ આંબલીનો સમાવેશ થાય છે. બંનેના અર્બન હેલ્થ સેન્ટરમાં 12 હજાર ટેસ્ટ થયા હતા. એ જ ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા અને ઓગણજનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર